|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

#
Kirtan Bhagti
whatsapp
FaceBook
Bhagwan Swaminarayan

 

 

|| આચાર સંહિતા ||

 

 

---> સાધુનાં પંચવર્તમાન :

 

  સંપ્રદાયનાં નિવૃત્તિ ધર્મનાં આદર્શ પ્રતિક સંપ્રદાયનાં સાધુઓ છે. જ્યારે જુદાજુદા ધર્મો-પંથોમાં ત્યાગાશ્રમ દૂષિત બન્યો હતો ત્યારે પોતાના ત્યાગીઓને આકરાં નિયમો તત્કાલીન યુગમાં ત્યાગાશ્રમને એક નવું પરિમાણ ભગવાન શ્રી સ્વામિનારાયણે આપ્યું. આ સંપ્રદાયના સાધુઓ તેમનાં ઉજ્જવળ ચારિત્ર્યને કારણે જંગમ તીર્થ જેવાં બન્યા હતા. આ સંપ્રદાયમાં ત્યાગીઓના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ. બાહ્મણ હોય અને ત્યાગી બને તે બ્રહ્મચારી ગણાય છે. તેમના અને સાધુઓને પાળવાના નિયમો લગભગ એકસરખા છે. માત્ર બ્રહ્મચારી દેવસેવા કરે અને નીચેનું વસ્ત્ર સફેદ તથા ઉપરનું વસ્ત્ર ભગવું પહેરે તેવી પ્રથા છે. સાધુઓ ભગવા વસ્ત્ર પહેરે છે. પાર્ષદો સફેદ વસ્ત્રો પહેરે છે.  
ત્યાગીઓ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે વિશેષ પાંચ વર્તમાન પ્રવર્તાવ્યાં છે. તે છે: નિષ્કામ, નિર્લોભ, નિ:સ્વાદ, નિ:સ્નેહ અને નિર્માન.

 

1) નિષ્કામી વર્તમાન:- નિષ્કામી વર્તમાન એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીસંગનો ત્યાગ. સ્ત્રી સંબંધી આ આજ્ઞાઓ આજનાં સુધારાવાદીઓને અતિરેક ભરેલી લાગે તે શક્ય છે. પરંતુ આવી આજ્ઞાઓ પાછળ સાધુઓના નિષ્કામ વ્રતને દ્રઢ બનાવવા ઉપરાંત બીજી બે બાબતો પણ ધ્યાનમાં લેવા જેવી છે. ત્યાગાશ્રમમાં આવ્યા પછી વ્યક્તિએ સતત જાગ્રુત ન હોય તો સમાજમાં ધર્મનાં ઓઠાં હેઠળ અનેક દૂષણો વ્યાપી શકે છે. બીજું, ત્યાગી સાધુઓએ સંપ્રદાયનાં સિદ્ધાંતોનાં પ્રસાર-પ્રચાર અર્થે સંત્સંગમાં અનેકવિધ પ્રવુત્તિઓમાં જોડાવું પડે છે. સાધુઓ આવી પ્રવ્રુત્તિઓમાં જોડાય એટલે તેમણે અનેક સ્ત્રી-પુરૂષોના સંપર્કમાં આવવાનું બને અને તેમ થનાં સ્ખલનનો ભય ઉભો થાય. આવું ન બને અને છતાં સાધુઓ લોક-કલ્યાણની પ્રવ્રુત્તિમાં રત રહે તે બંને બાબતોને સાંકળવા માટે મહારાજે સ્ત્રી સંબંધી આવી આજ્ઞાઓનું બંધારણ બનાવેલું છે. કેમ કે માત્ર સ્ત્રીઓનો ત્યાગ- એને એક્ને જ આદર્શ માન્યો હોત તો તો પોતના ત્યાગીઓને વનમાં કે નિર્જન સ્થળમાં રહેવાની એક જ આજ્ઞા આપી હોત પણ એમાં તો તેમણે કરવા ધારેલી લોકકલ્યાણની પ્રવ્રુત્તિ અટકી જાત. ભગવાન શ્રી સ્વામિનારાયણે નિષ્કામપણાને એવું સાધન ગણાવ્યું છે કે એ એક આવે તો અન્ય સાધનો પણ આવે.

 

2) નિર્લોભી વર્તમાન:- સાધુઓએ ક્યારેય દ્રવ્ય્નો સંગ્રહ પોતે કરવો નહીં તેમ જ બીજા પાસે પણ ન કરાવવો. કોઇની થાપણ પણ ન રાખવી. મૂલ્યવાન-રંગબેરંગી વસ્ત્રો-શાલ દુશાલા લોઇએ આપ્યાં હોય તો પણ પહેરવાં કે ઓઢવા નહિ વગેરે શિક્ષાપત્રીની આજ્ઞાઓ સાધુઓએ પાળવાના નિર્લોભી વર્તમાનને ઇંગિત કરે છે. તેથી જ આ સંપ્રદાયના સાધુઓને ધન-સ્ત્રીનાં ત્યાગીની પ્રતિષ્ઠા મળી છે. લોભ માણસને કલ્યાણને માર્ગેથી પાડી દે છે તેથી ત્યાગીઓએ તે જોખમથી દૂર રહેવા નિયમપાલનમાં સજાગપણે રહેવાનું હોય છે. નિર્લોભી વ્ર્તમાનમાં અપરિગ્રહ વ્રતનો સમાવેશ થઇ જાય છે. સાધુઓએ માત્ર દેહનિર્વાહ પૂરતાં જ વસ્ત્રો ઉપકરણો રાખવાનાં હોય છે.

 

3) નિ:સ્વાદી વર્તમાન:- સર્વ ઇંદ્રિઓને ક્ષોભ પમાડનાર રસાસ્વાદ ગણાય છે. આથી જ ભગવાન શ્રી સ્વામિનારાયણે બધી ઇંદ્રિઓમાં રસના ઇંદ્રિયને વિશેષપણે જીતવી એવો આદેશ આપ્યો છે. રસને જીતવાથે અન્ય ઇંદ્રિયો જીતવાનું સુગમ બનતું હોવથી ત્યાગીએ આહાર નિયમમાં રાખવો જરૂરી ગણાય છે. તે હેતુથે સાધુઓએ ઝોળીમાં ભિક્ષા માગી લાવીને કાષ્ઠનાં એક પાત્રમાં બધું ભેળું કરી, તેમાં પાણી મેળવીને તે આહાર એક જ વખત લેવાનો હોય છે. વળી, સાધુઓએ તાંબુલ, અફીણ, તમાકુ વગેરે કેફી ચીજોનો ત્યાગ કરવાનો પણ આદેશ મહારાજે શિક્ષાપત્રીમાં આપ્યો છે.

 

4) નિ:સ્નેહી વર્તમાન:- ત્યાગાશ્રમની દિક્ષા લેનાર સાધુએ કોઇ પણ જીવ સાથે મમત્વરૂપ સ્નેહથી બંધાવું ન જોઇએ. કામ, લોભ, ક્રોધ, ઇર્ષા અગેરે દોષો સ્નેહમાંથી ઉદભવે છે. તેથી ત્યાગીઓએ સ્નેહને શત્રુ સમજવો જોઇએ. આ દોષથી દૂર રહેવા ત્યાગીઓએ ગર્ભાધન, એકાદશાહ્મ દ્વાદશાહ વગેરે નિમિત્તે જમવું નશીં. તેમ જ સાધુએ કોઇનું દૂતપણું કે ચાડિયાપણું ન કરવું, કોઇના ચારચક્ષુ ન થવું; દેહને વિષે અહં બુદ્ધિ ન કરવી; સ્વજનોમાં મમતા ન રાખવી વગેરે આજ્ઞાઓ મહારાજે શિક્ષાપત્રીમા આપેલી છે.

 

5) નિર્માની વર્તમાન:- મહારાજે નિર્માની ભક્તને સૌથી શ્રેષ્ઠ ગણાવ્યા છે. થેથી સાધુઓએ ગમે તેટલી પૂજા-પ્રતિષ્ઠા થેતી હોય તો પણ બાળકની પેઠે માનરહિત વર્તવું. સાધુમાં બીજા બધા ગુણો હોય પરંતુ જો માનરૂપી દોષ હોય તો તે ગુણો ઢંકાઇ જાય. કેમકે માનમાંથી ક્રોધ અને ઇર્ષા જન્મે છે. આથી જેણે પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેણે કુળનું, ધનનું, રૂપનું કે પંડિતાઇનું-કોઇ પ્રકારનું માન રાખવું નહી. માનથી મત્સર, ગર્વ, દંભ, નિર્દયતા અગેરે અસાધુના લક્ષણો ઉદભવે છે. અથી આ દોષથી સાવધ રહેવા મહારાજે સાધુઓને ત્યાં સુધી આજ્ઞા આપી છે કે કોઇ દુષ્ટજન ગાળ દે કે મારે તે સહન કરવું પણ સામી ગાળ ન દેવી કે મારવો નહિ. એટલું જ નહિ પણ તેનું ખરાબ થાય તેવો સંકલ્પ પણ ન કરવો.
  આ રીતે આ સંપ્રદાયમાં પંચવર્તમાનધારી ત્યાગીવર્ગ આધારશિલા રૂપ છે. આ સંપ્રદાય થોડા સમયમાં ફૂલીફાલીને મોટા વટવ્રુક્ષ સમાન બન્યો તેનું શ્રેય બહુધા આવા નિયમધારી સંતોનાં ચારિત્ર્યને જાય છે. આ નિયમો કોઇપણ કક્ષાના સાધુએ પાળવાના છે. કેટલાક આત્મજ્ઞાન કે ભક્તિના ઓથે આ વ્રતોને ગૌણ માને તો તે સંપ્રદાયનાં બંધારણની બહાર છે. આ પંચવર્તમાનરૂપી સંરક્ષણ હરોળને કારણે પંચવિષયથી તેનું રક્ષણ થઇ શકે તેમ છે. ગમે તેટલી ઉંચાઇએ પહોંચ્યા છતાં આ પંચવર્તમાન સાધુએ છોડવાં ન જોઇએ તે પર ભાર મૂકતાં મહારાજે વચનામ્રુતમાં કહ્યું છે કે, “ પરમાત્મા તુલ્ય સેવા કરવા યોગ્ય સત્પુરુષ હોય તો પણ તેનામાં પંચવર્તમાનની દ્ઢતા જોઇએ જ.”

 

 

---> ગૃહસ્થનાં પંચવર્તમાન:

 

1) દારૂ ન પીવો

2) ચોરી ન કરવી

3) માંસ ન ખાવું

4) વ્યભિચાર ન કરવો

5) વટલવું નહી કે વટલાવવું નહીં.

 

 

|| સંપ્રદાયનાં શાસ્ત્રો ||

 

• શિક્ષાપત્રી

• વચનામૃત

• સત્સંગીજીવન

• ભક્તચિંતામણી

• સત્સંગીભૂષણ

• શ્રી હરિદિગ્વિજય

 

1 ) શિક્ષાપત્રી

 

 ભગવાન શ્રી હરિએ સ્વયં સંવત્ 1882 મહા સુદિ પંચમીને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી. એ દ્રષ્ટિએ એ શ્રુતિરૂપ છે. માનવજીવનનાં આદર્શ, આચરણીય ધોરણોની વ્યવસ્થા સૂચવતા સામાજિક ધર્મોનો તેમાં નિર્દેશ છે.
  શિક્ષાપત્રી એટલે વ્યવહારને ને સંસારને પરિશુદ્ધની નિત્ય નિયમાવલી. શિક્ષાપત્રી એટલે ઐહિક અને પારલૈકિક શ્રેય સાધવા જીવને પરબ્રહ્મ પુરુષોત્તમે બતાવેલો માર્ગ. ભગવાન શ્રી સ્વામિનારાયણે “અમારી વાણી એ જ અમારું સ્વરૂપ છે” એમ કહી પોતાના અનુયાયીઓને શિક્ષાપત્રીને અનુસરવાનો આદેશ આપ્યો છે.
  શિક્ષાપત્રીમાં તત્વજ્ઞાનનાં રહસ્યોની ચર્ચા નથી પરંતુ મનુષ્યને પોતાના ઐહિક અને આધ્યાત્મિક બન્ને જીવનનો મેળ બેસાડી ઉન્નત થવું હોય તો શિક્ષાપત્રી દીવાદાંડી સમાન છે. તેને સામાન્ય જનસુલભ બનાવીને સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉપેક્ષિત જેવા સામાન્ય લોકોને ઉંચા ઉઠવાની નિસરણી આપી છે.
  શિક્ષાપત્રીમાં સ્વધર્મ અને સ્થાન ધર્મને મહત્વનો નો ગણ્યો છે. જે વ્યક્તિ જ્યાં છે ત્યાં તેણે પોતની ભૂમિકા યોગ્ય રીતે નિભાવવી જોઇએ. પછી તે ગૃહસ્થ હોય કે આચાર્ય; સાધુ હોય કે બ્રહ્મચારી; સ્ત્રી હોય કે પુરુષ- તે દરેકની જીવનરીતિ સમાન ન હોઇ શકે. દરેકને પોતાનું વિશિષ્ટ કર્તવ્ય બજાવવાનું રહે છે. તે એવી રીતે બજાવવું જોઇએ કે જેથી લોક વ્યવહાર સરળ અને શુદ્ધ રહે અને સાથે સાથે અધ્યાત્મ જીવન ઉન્નત બને.
  સંપ્રદાયમાં શિક્ષાપત્રીનાં આદેશો સર્વોચ્ચ સ્થાને છે, તે એટલે સુધી કે જે આ આદેશો પ્રમાણે ન વર્તતા હોય તેને આ સંપ્રદાયથી બાહેર ગણવાનું સ્વયં મહારાજે કહ્યું છે.

 

2 ) વચનામૃત

 

  વચનામૃતમાં જુદાં જુદાં સ્થળે અને સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમનાંઅનુયાયીઓની સભામં જે જ્ઞાનચર્ચા કરી અધ્યાત્મનાં રહસ્યો પ્રગટ કર્યાં છે, તે તેમની વાણીનો સંગ્રહ છે. લોકભોગ્ય ભાષામાં સંગ્રહાયેલાં તેમનાં આ વચનો ખરેખર સંપ્રદાયનો કીંમતી રત્નભંડાર છે. તેમાં પ્રશ્નોત્તર શૈલી અપનાવીને મહારાજે ઊંડા અધ્યાત્મ રહસ્યોનું ઉદ્ ઘાટન કરેલું છે.
  વચનામૃતોનો ક્રમ વિષયાનુસાર નહિ પણ સમયાનુસર છે. દરેક વચનામૃતની પહેલાં થોડા શબ્દોમાં મહારાજ ક્યાં, કેવી રીતે, કેવા પોષાકમાં બિરાજ્યા છે તથા સભામાં કોણ છે તેનું શબ્દ ચિત્ર આપવામાં આવેલું છે જેથે વાચકને તેમના ધ્યેય સ્વરૂપની જાણ થાય તેમ જ તેમની ઉપસ્થિતિ અને અત્યારે જ તેઓ બોલે છે તેવો ભાવ જાગે તે મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. અચનામૃતોની સંખ્યા ઘણી મોટી હોવાનો સંભવ છે કેમકે મહારાજ સતત ફરતા અને ઉપદેશ આપતા. પરંતુ તેમાંથી 262 ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે. આ વચનામૃતોનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય આ ચાર મોટા સદ્ ગુરુઓએ કરેલું છે: મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી.

 

3 ) સત્સંગીજીવન

 

  સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ ભાગમાં ( જેને પ્રકરણ નામ અપાયા છે.) વહેંચાયેલા આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં ઉપરનાં બે ગ્રંથો બાદ કરતાં પ્રથમ નંબરનું છે. “સંપ્રદાયનાં ધર્મશાસ્ત્ર” તરીકે આદર પામેલા આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. વળી, આ ગ્રંથ ભગવાન શ્રી હરિએ પોતાની હયાતિ અને પોતાના માર્ગદર્શન હેઠળ લખાવેલ હોઇ તેની પ્રમાણભૂતતા ઓર વધી જાય છે.

 

4 ) ભક્તચિંતામણી

 

 સંપ્રદાયનું સાહિત્ય જો સંસ્કૃતમાં જ હોય તો તે સામાન્ય જનની પહોંચ બહાર બની જાય. તેથી ભગવાન શ્રી હરીએ નિષ્કુળાનંદ સ્વામીને લોકભોગ્ય ભાષામાં સત્સંગી-જીવન જેવો ગ્રંથ રચવાની આજ્ઞા કરી. સરળ ગુજરાતી પદ્યમાં રચાયેલ આ ગ્રંથ સંપ્રદાયમાં અત્યંત પ્રિય છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું સંપુર્ણ જીવનવૃતાંત તથા તેમનું વિચરણ સરળ અને ભાવવાહી શૈલીમાં હોવાથી સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતા લોકોને પણ તે સુગમ બન્યો છે.

 

5 ) સત્સંગીભૂષણ

 

  વાસુદેવાનંદ મુનિએ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અને તેમના અવતાર પ્રયોજનનું ભક્તિપૂર્ણ વર્ણન છે. સત્સંગીજીવન ધર્મપ્રધાન હોઇને ધર્મશાસ્ત્ર ગણાય છે તેમ સત્સંગીભુષણ ભક્તિપ્રધાન હોઇને સંપ્રદાયમાં ભક્તિશાસ્ત્ર તરીકે સ્થાન પામ્યો છે.

 

6 ) શ્રી હરિદિગ્વિજય

 

  ભગવાન સ્વામિનારાયણનાં પરમહંસ શિષ્યોમાં વિદ્વતા માટે પ્રસિદ્ધ સદ ગુરુ નિત્યાનંદ સ્વામીએ આ પદ્યકાવ્ય સંસ્કૃતમાં રચેલ છે. તેમાં સંપ્રદાયની અને ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત તત્ત્વ સિદ્ધાંતની વિદ્વત્તાપૂર્ણ છણાવટ છે.

 

 

|| સંપ્રદાયનાં આચાર્ય ||

 

 

  ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી આ સંપ્રદાયનીં ધુરા સંભાળી ત્યારે સંપ્રદાયનાં અનુયાયીઓની સંખ્યા અને વ્યાપ મર્યાદિત હતો. પરંતું ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયનાં સુત્રો હાથમાં લીધા પછી ટુંક સમયમાં જ આ સંપ્રદાય લોકશુદ્ધિનું એક પ્રબળ પરિબળ બની ગયો. આ બ્રુહદ સંપ્રદાયની જવાબદારી ઉત્તરોત્તર ભવિષ્યમાં જળવાઇ રહે તે ખુબ જ જરૂરી હતુ. સંપ્રદાયનાં વિશાળ ગ્રુહસ્થ તેમજ ત્યાગી અનુયાયી વર્ગનો પૂજ્યભાવ સંપ્રદાયની ધુરા વહન કરનાર પ્રત્યે હોવો તે પ્રથમ આવશ્યકતા હતી. આ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રથમ ત્યાગી વર્ગમાંથી કોઇ આ સ્થાન સંભાળે એ વિકલ્પ તપાસી જોયો. પરંતુ, સંપ્રદાયની અને તેને સંલગ્ન અનેકવિધ આર્થિક પ્રવ્રુત્તિઓ અને મિલકતોની જવાબદારી ત્યાગીને સોંપવામાં બે ભયસ્થાનો હતા:
 
  1) મંદિરોની પળોજણમાં વ્યસ્ત રહેવાને કારણે ત્યાગીઓ તેમના નિયમો જાલવી ન શકે.
  2) જો ત્યાગીના નિયમોને પ્રધાનપણે રાખીને રહે તો મંદિરની વ્યવસ્થા મમત્વ રહિત પણે કરીને કેમ જળવાય?
 
  આમ ત્યાગી કરતાં ગ્રુહસ્થ આચાર્યની યોજના જ વ્યવહારું હતી. વળી આચાર્યમાં સંપ્રદાયનાં તમામ ત્યાગી-ગ્રુહી અનુયાયીઓનો નિષ્ઠાયુક્ત આદર હોવો અનિવાર્ય છે. આથી મોટા સંતો સાથે વિચાર-વિમર્શ કરી આચાર્યપણાની ગાદી માટે ગ્રુહસ્થ આચાર્યની યોજના પસંદ કરી અને તેમાં પણ પોતાના જ કુળમાંથી (જે ધર્મકુળ કહેવાતું કેમકે તેમના પિતા હરિપ્રસાદજી ધર્મદેવ તરીકે ઓળખાતા) આચાર્યની પસંદગી કરવાથી સંપ્રદાયના અનુયાયીઓની નિષ્ઠા તેમના પ્રત્યે જળવાઇ રહે તેમ હતું. આ યોજના અનુસાર ભગવાન શ્રી સ્વામિનારાયણે સં. 1882 (ઇ.સ.1826) ના કારતક સુદી એકાદશીના રોજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં મોટા ભાઇ રામપ્રતાપજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી તથા નાનાભાઇ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરજીને દત્તક લઇ સંપ્રદાયનાં આચાર્યપદે સ્થાપ્યા. તેમણે નરનારાયણ (અમદાવાદ) અને લક્ષ્મીનારાયણ (વડતાલ) એ બે મંદિરોને મુખ્ય રાખી ઉત્ત્ર અને દક્ષિણ એ રીંત બે દેશ- વિભાગો કર્યા. તે મુજબ રઘુવીરજી લક્ષ્મીનારાયણ દેશના અને અયોધ્યાપ્રસાદજી નરનારાયણ દેશના આચાર્ય નક્કી થયા.
 
  બંને આચાર્યો વચ્ચે ત્યાગી અને ગ્રુહસ્થ અનુયાયી સંબંધમાં, સીમા સંબંધમાં કે મિલ્કત સંબંધમાં ભવિષ્યમાં કલેશ ન થય તે હેતુથી બંને ગાદીના આચાર્યના પ્રદેશ વિસ્તાર, આર્થિક હકુમતો વગેરે લેખ કરીને વહેંચી આપ્યા જેને દેશ વિભાગનો લેખ કહે છે.

 

 

 

પાછળ જુઓ...

 

Copyright @ 2013, Swaminarayan Temple Khopala. All Reserved.
Design By Varniraj Developer