|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

#
Kirtan Bhagti
whatsapp
FaceBook
Bhagwan Swaminarayan

 

ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયની સ્થાપના

 

 

|| ઉદ્ધવજીનું પ્રાગટ્ય ||

 

  ભગવાનનાં અવતાર લેવાની પુર્વે ધર્મ સ્થાપનાની પુર્વ તૈયારી કરવાનાં નિમિત્તે ઉદ્ધવજીનું પ્રાગટ્ય થયું જેઓ આ પૃથ્વિ પર રામાનંદ સ્વામી તરીકે ઓળખાયા.
રામાનંદ સ્વામીનો જન્મ વિ.સં. 1795 (ઇ.સ. 1735) માં અયોધ્યામાં બ્રાહ્મણ કુટુંબમાં થઓ હતો. તેમનું નાનપણનું નામ રામ શર્મા હતું. ઉપનયન સંસ્કાર પછી વિદ્યાભ્યાસ માટેની તાલાવેલીને કારણે તેમણે નાની ઉંમરમાં જ ઘર છોડ્યું. તીર્થયાત્રા કરી સૌરાષ્ટ્રમાં તળાજા ગામે કાશીરામ નામના શાસ્ત્રવેત્તા પાસે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી ગિરનારમાં રહેલાં આત્માનંદ મુનીને મળ્યા. તેમની પાસે દીક્ષા લઇ રામાનંદ નામ ધારણ કર્યું. આત્માનંદ મુનિ બ્રહ્મનિષ્ઠ યોગી હતા. તેમની પાસેથી રામાનંદ સ્વામી યોગકળા શીખ્યા અને સમાધિ પણ સાધી. પરંતુ તેમાં બ્રહ્મતેજ દેખાયું.. જ્યારે તેમને સાકાર શ્રીક્રુષ્ણના દર્શનની તાલાવેલી હતી. આથી માત્ર તેજથી સંતોષ ન થયો. તેઓ શ્રીરંગમમાં શ્રી રામાનુજાચાર્યની ગાદીએ ગયા અને ત્યાં તેમની ભક્તિ કરી ત્યારે સ્વપ્નમાં શ્રી રામાનુજાચાર્યે તેમને વૈષ્ણવી દીક્ષા અને મંત્ર આપ્યાં.

 

 ---> ભગવાનનાં ધર્મ સ્થાપનના કાર્યનું ક્ષેત્ર નિર્માણ-ઉદ્ધવજી દ્વારા શુદ્ધ સંપ્રદાયની સ્થાપના:

 

 આ પછી રામાનંદ સ્વામીએ ક્રુષ્ણ ભક્તિનો ઉપદેશ કરવા માંડ્યો. ત્યાં રહેલા રામાનુજ સંપ્રદાયના શિષ્યોથી આ નવો ઉપદેશક સહન થયો નહીં. વિખવાદ ટાળવા રામાનંદ સ્વામી ત્યાથી ચાલી નીક્ળ્યા અને વ્રુંદાવન આવ્યા. અહીં તેમને ભગવાન શ્રીક્રુષ્ણનો સાક્ષાત્કાર થયો અને ભગવાનની આજ્ઞાનુસાર પોતાને મળેલા જ્ઞાન-ભક્તિનાં પ્રચાર માટે તેઓ ફરવા લાગ્યા અને મુમુક્ષુ જનોને શુદ્ધ કૃષ્ણ ઉપાસનાનો માર્ગ બતાવવા લાગ્યાં. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા પણ તેમને વૃંદાવનમાં જ મળ્યા અને તેમની પાસેથી દિક્ષા લઈ તેમના શિષ્ય બન્યા.

 

 રામાનંદ સ્વામી કૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરતાં કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવીને સ્થિર થયાં. ભગવાન શ્રી નારાયણ પોતે પ્રગટીને આ પૃથ્વિ પર ધર્મનું સ્થાપન કરશે એમ તેઓ આગાહી કરતા. ભગવાનની શુદ્ધ સંપ્રદાયની સંસ્થાપનાની પૃષ્ઠ ભૂમિ તેઓ તૈયાર કરવા લાગ્યા.

 

 તેમણે વૈષ્ણવ સંપ્રદાયની અશુદ્ધિઓને દૂર કરીને શુદ્ધ કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કર્યું. શ્રી રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હોવાથી તેમણે પ્રવર્તાવેલો આ નવો સંપ્રદાય “ઉદ્ધવ સંપ્રદાય” તરીકે ઓળખાયો. ભગવાન શ્રી સ્વામિનારાયણ રામાનંદ સ્વામીને મળતા સંપ્રદાયની ધૂરા તેમને સોંપી ઉદ્ધવજીએ દેહત્યાગ કર્યો.

 

 

ભગવાનના અવતાર ધારણ કરવાની પશ્ચાદભૂમિ

 

1) શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણનાં અવતાર વિષેની આગાહી:

 

ભગવાન શ્રી સ્વામિનારાયણના અવતાર અંગેની આગાહીઓ આપણાં અનેક શાસ્ત્રોમાં કરવામાં આવી છે. જેમકે,

 

---> પદ્મ પુરાણ:

  પાખંડ બહુલે લોકે સ્વામિનામ્ના હરિ: સ્વયમ્ l પાપપંક નિમગ્નં તજ્જગદુદ્વારયિષ્યતિ ll અર્થ: જ્યારે લોકમાં પાખંડ વધી જશે ત્યારે સ્વયં શ્રી હરિ સ્વામિનારાયણ નામ ધારણ કરીને પાપરૂપ કાદવમાં ખુંચેલા જગતનો ઉદ્ધાર કરશે.

 

---> બ્રહ્માંડ પુરાણ:

  દત્તાત્રેય: કૃતયુગે ત્રેતાયાં રઘુનંદન: l દ્વાપરે વાસુદેવ: સ્યાત્ કલૌ સ્વામિવૃષાત્મજ: ll અર્થ: સતયુગમાં દત્તાત્રેય ભગવાન, ત્રેતાયુગમાં રામચંદ્ર ભગવાન, દ્વાપરયુગમાં વાસુદેવ ભગવાન અને કળિયુગમાં ભગવાન ધર્મના પુત્ર શ્રી સ્વામિનારાયણ તરીકે પ્રગટ થશે.

 

---> વિશ્વસેન સંહિતા:

 ભૂમ્યાં કૃતાવતારોયં સ્ર્વાનેતાન જનાનહમ્ l પ્રાપયિષ્યામિ વૈકુંઠં સહજાનંદ નામત: ll અર્થ: હું સહજાનંદ નામથી ભૂમિ ઉપર અવતાર ધારણ કરી આ સર્વ લોકોને માયાના સર્વ અવરોધોથી પાર અક્ષરધામને પમાડીશ.

 

2) ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કળીયુગમાં ધર્મ સ્થાપન અર્થે અવતાર લેવાનો આપેલો કોલ:

 

 એક સમયે યુદ્ધાર્થે મથુરાપુરી પ્રત્યે આવેલા જરાસંધની સાથે યુદ્ધસમય આવતા શ્રી કૃષ્ણે પોતાના પ્રાદુર્ભાવનો હેતુ વિચારતાં, આ રીતે પોતાના પ્રાદુર્ભાવના ધારણની પ્રતિજ્ઞા કરી હતી: "અન્યો: અપિ ધર્મરક્ષાયૈ દેહ સંભ્રિયતે મયા l વિરામાયાપ્યધર્મસ્ય કાલે પ્રભવત: કચિત્ ll" અર્થ: ધર્મ રક્ષણ માટે અને વૃદ્ધિ પામતા અધર્મનો નાશ કરવા માટે કોઇક સમયમાં હું બીજો અવતાર ધારણ કરીશ. માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામગમન સમયે પોતાના બીજા પ્રાદુર્ભાવના સંબંધમાં ‘ સમગ્ર જીવોના કલ્યાણને કરનારૂં મારૂં જ્ઞાન ધારવા કોણ સમર્થ થાય?’ એમ વિચાર કરતા તેવા ગુણવાળા ઉદ્ધવજીને જાણીને, તેમને આચાર્યપદવી આપવાપૂર્વક પોતાની જ્ઞાનરૂપ ધૂરા સોંપી હતી. જેમકે, “અસ્માલ્લોકાદુપરતે મયિ જ્ઞાનં મદાશ્રયમ્ l અર્હત્યુદ્ધવ એવાદ્ધા સંપ્રત્યાત્મવતાં વર: ll    નોદ્ધવો: અણ્વપિ મન્ન્યૂનો યદ્ગુણૈર્નાર્દિત: પ્રભુ: l અતો મદ્વયુનં લોકં ગ્રાહયન્નિહ તિષ્ઠતુ ll’’ ઉદ્ધવજીને કહ્યું કે આ અવતારમાં તો અધર્મનો નાશ થઇ શક્યો છે. પણ ધર્મનાં સ્થાપનને અર્થે હું કળીયુગમાં ફરીથી અવતાર લઇશ. તમે મારી પહેલાં અવતાર લઇને ધર્મ સ્થાપનની તૈયારી કરજો. આ ઉદ્ધવજી અવતાર લઇને રામાનંદ સ્વામી તરીકે ઓળખાયા અને શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી.

 

3) વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મદેવનાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાની કરેલી વાત:

 

 વળી વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કળીયુગમાં થનારા અવતાર વિષે આગાહી કરતા કહે છે કે, “મયા કૃષ્નેન નિહતા: સાર્જુનન રણેષુયે. પ્રવર્તયીષ્યં ત્યસુરા: તત્ત્વધર્મં યદાક્ષિતૌ ધર્મદેવાત તદાભૂમૌ નરનારાયણાત્મના પ્રવૃતતે અતિ કલૌ બ્રહ્મન ભુત્વાહં સામગોદ્વિજ: મુનિશાપનૃતાં પ્રાપ્તં સર્ષિ જનકમાત્મન: તત: અવિતા ગુરુભ્યો: અહં સદ્ધર્મં સ્થાપયન્નજ!” કૃષ્ણ ભગવાન કહે છે હેબ્રહ્મન“ અર્જુનની સાથે મારા વડે યુદ્ધ ભૂમિમાં જે લોકો મરાયા હતા તે અસુરો જ્યારે પૃથ્વી ઉપર અધર્મ ફેલાવશે તથા કળીયુગનો જ્યારે પ્રારંભ થશે ત્યારે હું ધર્મ દેવ થકી અને તેમના પત્ની મૂર્તિ અર્થાત્ ભક્તિદેવી દ્વારા સામવેદી બ્રાહ્મણ કુળમાં પ્રાદુર્ભાવ પામીશ અને દુર્વાસા મુનિના શાપથી મનુષ્યભાવને પામનારા મરીચ્યાદિ મુનિઓ સહિત સર્વની તે અસુરાંશ ગુરુઓ તથા રાજાઓ થકી રક્ષા કરીશ અને સદ્ધર્મની સ્થાપના દ્રઢ કરીશ.” વા મ. અ. 18, શ્લોક.42/43/44

પોતાના આ વચન સત્ય કરવાનો સમય ભારતવર્ષમાં અઢારમી સદીમાં આવ્યો......

  ઓગણીસમી સદીનાં પૂર્વાર્ધમાં ભારતવર્ષની ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ અત્યંત દયનીય હતી. પ્રજા સતત યુદ્ધો, લૂંટ, રાજકીય હકૂમતની વારંવાર ફેરબદલી તથા રાજકીય અસ્થિરતાને કારણે પારાવાર મુશ્કેલીઓનો ભોગ બની હતી.

 

 ધાર્મિક ક્ષેત્રે જોઇએ તો ધર્મ બાહ્યાચર અને સંકુચિત વિધિ વિધાનોની સાંકળી નળીમાં પૂરાઇ ગયો હતો. વહેમ અને અંધશ્રદ્ધા આ સદીમાં લોકોની ધાર્મિક વૃત્તિનાં આગળ પડતાં લક્ષણો હતાં. બલી, જાદુમંતર, દોરાધાગા અને મલીન દેવોની ઉપાસના સમાજનાં દરેક વર્ગમાં ઘર કરી ગયાં હતા. ધર્મને નામે અનેક ગેરરતિઓ અને અનૈતિકના પણ પ્રવેશ્યાં હતાં. મંદિરોમાં દેવદાસીઓ અને નાસનારીઓની પ્રથાને કારણે ઘણી જગ્યાએ વ્યભિચાર થતો. હીણપતભરી તાંત્રિક વિધિઓ દ્વારા ધનિક અને શક્તિશાળી વર્ગનાં બધાં સામાજિક-ધાર્મિક ગુનાઓ વ્યાજબી ગણાઇ જતા.

 

 ભારતમાં વિવિધ સંપ્રદયોના સંન્યાસીઓના અનેક પ્રકારો હતા. જેવા કે, યોગી, પરમહંસ, નાગા, અતીત, ખાખી, વગેરે. તેમાનાં કેટલાંક સંગઠનો નશાકારક પીણાં પીતાં તથા માનવબલી પણ ચડાવતા. નાગા બાવાઓ શસ્ત્ર ધારણ કરતા અને પ્રજાને રંજાડતા.

 

 ધર્મમાં હિંસા પ્રવેશી હતી. યજ્ઞોમાં બકરા, આદિક જીવોની હિસા ધર્મિક વિધિનું અનિવાર્ય અંગ ગણાતી. વેદ આદિક શાસ્ત્રોનાં અર્થ અવળા કરીને ધર્મગુરુઓ પાંખંડને પોષતા. ગુજરાતમાં તે સમયે પ્રચલિત ધર્મોમાં શક્તિના વિવિધ સ્વરૂપોની ઉપાસનામાં સાત્વિક પૂજાનું સ્થાન હિંસામય પૂજાએ લીધું હતું. એટ્લું જ નહીં પણ વામમર્ગનું દૂષણ પ્રગટ્યું હતું તેમાં પાંચ મકાર: મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુનનું પ્રતિપાદન થતું હતું.

ટૂંકમાં,અધર્મનો સારી રીતે હ્રાસ થયો હતો અને ચોમેર અધર્મનો વ્યાપ થયો હતો...

 

4) ભગવાનને પૃથ્વિ પર અવતાર ધારણ કરવાનું બીજું એક નિમિત્ત:

 

  ધર્મની આવી દૂર્દશાથી વ્યથિત થઇ દિવ્યદેહે પૃથ્વિ પર વિચરતાં ઋષિમુનિઓ પ્રજાને આ દૂર્દશામાંથી મુકાવવાની પ્રાર્થના કરવા બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી નરનારાયણ પાસે એકઠાં થયાં અને ત્યાં પ્રભુઇચ્છથી જ ભગવાનને પૃથ્વિ પર અવતાર ધારણ કરવાનું બીજું એક નિમિત્ત આ રીતે બની આવ્યું.......

 

  બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણદેવ મુનિઓ સાથે બિરાજેલા હતા. ત્યાં મરીચિ, શુક, ગર્ગ, ગૌતમ વગેરે અનેક ઋષિઓ ભગવાન નરનારાયણનાં દર્શનાર્થે આવ્યા. નરનારાયણે તેમને ભરતખંડમાં લોકો ધર્મનું પાલન કેવુંક કરે છે તેમ પૂછતાં ઋષિઓએ અધર્મનું જોર વધી ગયું હોવાનું અને ધર્માચરણમાં ચોમેર શિથિલતા પ્રવેશી હોવાનું વર્ણન કર્યું. આ સમયે તેમનાં માતાપિતા મૂર્તિ ને ધર્મ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમને નારાયણ ઋષિ ભરતખંડમાં વ્યાપેલા અધર્મની વાત કહેવા લાગ્યા. તેમને સાંભળવામાં બધાં એક ધ્યાન થઇ બેઠાં હતાં, તે સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવી પહોંચ્યા. તેમનાં પ્રત્યે કોઇનું ધ્યાન ન જતાં ક્રોધે ભરાઇ તેમણે શાપ આપ્યો કે “તમો બધાં મનુષ્ય દેહને ધરો અને અસુરજનો તરફથી પીડાને પામો.”
શાપથી ભય પામીને બધાંએ નમ્રતાથી અપરાધની ક્ષમા માગી ત્યારે દુર્વાસાએ કહ્યું કે “મારો શાપ મિથ્યા નહિ થાય પરંતુ હું એટલો અનુગ્રહ કરું છું કે તમે ધર્મ અને ભક્તિ બંને પતિ-પત્નિ રૂપે અવતરશો અને આ ભગવાન નારાયણ ઋષિ તમારા પુત્ર થશે ત્યારે શાપનો તાપ ટળશે.” તે જ રીતે ઉદ્ધવજી સહિત બધા ઋષિઓને પણ કહ્યું કે તમે સૌ જુદા જુદા વર્ણોમાં અવતાર લેશો અને મૂર્તિ ધર્મનાં પુત્રરૂપે પ્રગટ થયેલા શ્રીહરિ પાસે ખેંચાઇ આવશો. તેમના પ્રત્યેના અતિશય સ્નેહથી તમે શાપથી મુકાશો અને દિવ્ય ગતિ પામશો.

 આ રીતે શાપના નિમિત્તે મનુષ્ય દેહ ધારણ કરનારાઓમાં ભગવાન શ્રી નારાયણ તે જ સહજાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન, તેમનાં માતાપિતા મૂર્તિ ને ધર્મ તે જ માતા પ્રેમવતી ને પિતા હરિપ્રસાદ પાંડે અને ઉદ્ધવજી તે જ ગુરુ રામાનંદ સ્વામી.

 

 

|| પ્રાગટ્ય ||

 

  ભગવાન શ્રી સ્વામિનારાયણનાં પિતા શ્રી હરિપ્રસાદ પાડેં ઇટારપુરનાં સરવરિયા બ્રાહ્મણ બાળશર્માનાં પુત્ર હતા. તેમના માતા પ્રેમવતી છપૈયાના શ્રી કૃષ્ણ શર્મા ના પુત્રી હતાં. હરિપ્રસાદ અને પ્રેમવતી બંને પરિત્ર અને ધર્મપરાયણ હોવાને કારણે તેઓ ધર્મદેવ અને ભક્તિદેવીના નામથી ઓળખાવા લાગ્યા. તેમનાં પ્રથમ પુત્ર રામપ્રાપનો જન્મ છપૈયામાં થયો, જેઓ ભગવાન શેષનારાયણનો અવતાર હતા.
  દુર્વાસા મુનિનાં શાપને લિધે ધર્મ-ભક્તિને અસુરોનો સતત ત્રાસ રહ્યા કરતો. આથી ધર્મદેવ છપૈયાથી સપરિવાર અયોધ્યા આવ્યા. ત્યાં પણ અસુરોનો ત્રાસ નહિ ઓસરતાં ધર્મદેવ અને ભક્તિમાતા યાત્રા અર્થે કાશી અને પ્રયાગ ગયા. પ્રયાગમાં તેમને ઉદ્ધવજીનાં અવતાર રામાનંદ સ્વામીનો મેળાપ થયો. તેમની પાસેથી બંનેએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છપૈયા પાછા આવ્યા. તેમનું સાત્વિક જીવન અને ધર્મનિષ્ઠા જોઇને લોકો તેમને સન્માનતા થયાં.પરંતું ફરી અસુરોએ તેમનું ધન લુંટી હેરાન કર્યા.
  અસુરોના ત્રાસ નિવારણાર્થે ધર્મદેવ અને ભક્તિમાતાએ વૃંદાવન જઇ શ્રી કૃષ્ણની આરાધના કરી. શ્રી કૃષ્ણે તેઓને દર્શન આપ્યા અને તેમનાં ઘરે અવતરી અસુરોનું દુ:ખ દૂર કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું વચન આપ્યું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનાં વરદાન સાથે ધર્મદેવ અને ભક્તિમાતા છપૈયામાં રહીને ભક્તિ કરવા લાગ્યા અને મુમુક્ષુ જીવોને ઉદ્ધવ સંપ્રદાયની દિક્ષા આપવા લાગ્યા.
  અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1837નાં ચૈત્ર સુદ નોમ (3 ઍપ્રિલ, 1781)નાં રોજ રાત્રિનાં દશ વાગ્યે ભક્તિમાતાનાં પુત્ર રૂપે થયું.
  માર્કંડેય મુનિએ ભક્તિ-ધર્મનાં પુત્રનાં હરિ, હરિકૃષ્ણ અને ઘનશ્યામ એમ ત્રણ નામ પાડ્યાં. છપૈયામાં ભગવાનનાં પ્રાગટ્યથી દૈવી જીવો પ્રસન્ન થયાં. પરંતુ, અસુર જનોએ ભગવાનને નાનપણમાં જ મારી નાંખવા માટે અનેક ઉપદ્રવો શરૂ કર્યા. અસુરોમાં મુખ્ય કાળીદત્ત નામનાં રાક્ષસે બાળ ઘનશ્યામને મારી નાખવા માટે કૃત્યાઓ મોક્લી પરંતુ તેઓ ભગવાનને કંઇ પણ કરી ના શકી અને ભગવાનનાં અનન્ય ભક્ત હનુમાનજીએ બધી કૃત્યાઓને મારી મારીને અધમુઇ કરી નાખી! આ પછી ખુદ કાળીદત્ત ભગવાનને મારી નાખવાનાં ઇરાદા સાથે બાળકનું રૂપ લઇને આવ્યો અને પોતાની માયાવી શક્તિઓનો પ્રયોગ કર્યો. પણ ભગવાને એને પણ પોતાના પ્રતાપથી માર્યો . આ રીતે વારંવાર ઉપદ્રવોથી ત્રાસીને અંતે ધર્મદેવ ફરીથી અયોધ્યામાં આવીને વસ્યા.
  બાળ ઘનશ્યામ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવન વગેરે પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મ્રુતિ વગેરે ભણ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો.

 

 

|| ગૃહત્યાગ અને વનવિચરણ ||

 

  માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ માત્ર અગિયાર વર્ષની કુમળી વયે બાળ ઘનશયામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નિકળી પડ્યા. ગૃહ ત્યાગ વખતે તેમની સાથે જે વસ્તુઓ લીધી હતી તેમાં કોપીન તથા તેનું આચ્છદન વસ્ત્ર, મુંજની કટીમેખલા, પલાશ દંડ, મૃગચર્મ, જળગળણું, ભિક્ષાપાત્ર, કમંડલું, શલિગ્રામ અને બાલમુકુંદનો બટવો, જપમાળા તથા સત્ શાસ્ત્રોનો સાર લખેલા ગુટકાનો સમાવેશ થતો હતો
  વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠ વર્ણીએ સાત વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાં છ માસ સુધી એક પગે ઉભા રહી તપ કર્યું. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા. ગોપાળ યોગીને પોતાનાં ભગવાન પણાંનો નિશ્ચય કરાવી પોતાનાં ધામની પ્રાપ્તિ કરાવી.
  ત્યાંથી નીલકંઠ વર્ણી આદિવરાહ તીર્થમાં આવ્યા. ત્યાંથી વંગ દેશમાં સીરપુર નામનાં શહેરમાં આવ્યા. અહીંના રાજાએ સોએક જેટલા વિવિધ પંથ અને મતના સિદ્ધોને ચાતુર્માસ કરવા માટે આશ્રય આપ્યો હતો. તેમાંના ઘણા દંભી અને બડાઇખોર હતા. નીલકંઠને પણ રાજાએ આશ્રય આપ્યો. પરંતુ વર્ષાઋતુનાં તાંડવમાં બધા સિદ્ધો તપમાંથી ઉઠી ગયાં. માત્ર નીલકંઠ બેઠા રહ્યા. આને કારણે પેલા સિદ્ધોને અસૂયા થઇ અને નીલકંઠને મારી નાખવા તાંત્રિક ઉપાયો કર્યા. પરંતુ સફળ ન થયા તેથી તેઓ પણ નીલકંઠ પ્રત્યે પૂજ્યભાવ દર્શાવવા લાગ્યા.
  સીરપુરથી નીલકંઠ સિદ્ધો સાથે કામાક્ષી દેવીના મંદિર પાસેના એક ગામ નજીક આવી પહોંચ્યા. ત્યાં પિબેક નામે કોઇ વામપંથી બ્રાહ્મણ મલિન ઉપાસનામાં રત રહેતો. પોતાની મલિન સિદ્ધિઓથી મદમાં આવીને તેણે નીલકંઠની સાથે આવેલાં બધા સિદ્ધોને પોતાના શિષ્યો બનવા અથવા મૃત્યું માટે તૈયાર રહેવા જણાવ્યું. સિદ્ધો ડરીને તાબે થવા તૈયાર થઇ ગયા ત્યારે નીલકંઠે તેમને વાર્યા અને આવા અતિ ક્ષુદ્ર તથા દુરાચારીથી ભય ન પામવા જણાવ્યું. તેમણે પહેલાં પોતાને શિષ્ય બનાવવા પિબેકને કહ્યું. પિબેકે નીલકંઠ પર કરેલા તમામ અભિચારો નિષ્ફળ ગયા. આખરે નીલકંઠના પ્રભાવથી મલિન ઉપાસના છોડીને પિબેક સાચે માર્ગે વળીયો.
  આ પછી નીલકંઠ વર્ણી નવલખા પર્વત પર ગયા અને ત્યાં તપ કરતાં નવ લાખ યોગીને તેટલા જ રૂપ ધરીને એકસાથે મળ્યા. ત્યાંથી બાલવા કુંડ નામે તીર્થમાં જઇને ગંગાસાગર પહોંચ્યા. ત્યાંથી કપિલાશ્રમ થઇ જગન્નાથ પુરી પહોંચ્યા. અહીં લગભગ દસ માસ રહ્યા.
  આ મોટું તીર્થસ્થાન હોવાથી અનેક પ્રકારના સાધુઓ, ખાખી બાવાઓ, વેરાગીની જમાતો વગેરે રહેતા હતા. તેમાંના ઘણા માંસ, મદિરા, મૈથુન, મંત્રતંત્ર વગેરેમાં માનનારા તો કેટલાક હથિયારો ધારણ કરનારા જનૂની ટોળા હતાં. તેઓ ધર્મૌનું જે વિકૃત ચિત્ર ઉપસાવતા હતા તેની સામે કિશોર વયના નીલકંઠ પોતાના ત્યાગ અને શીલને કારણે લોકોના આદરને પાત્ર બન્યા. તેથી આ વેરાગીઓને ઇર્ષા થઇ. તેમાંથી તેઓ અંદરો અંદર હથિયારોથી લડ્યા અને આશરે દસ હજાર જેટલા આસુરી વૈરાગીઓ માર્યા ગયા.
  જગન્નાથપુરીથી તેઓ દક્ષિણ તરફ ગયા. ગુપ્ત પ્રયાગ, સુંદરરાજ થઇ કન્યાકુમારી પહોંચ્યા. ત્યાંથી વળતાં પદ્મનાભ, જનાર્દન, આદિકેશવ થઇને મલયાચલમાં દર્શન કરીને, કિષ્કિંધા થઇને પંપા સરોવર આવ્યા. ત્યાંથી પંઢરપુર, દંડકારણ્ય થઇને નાસિક પહોંચ્યા. છેલ્લે માંગરોળથી નજીક લોજ ગામે રામાનંદ સ્વામીના સાધુનો મેળાપ થતાં તીર્થાટનની સમાપ્તિ થઇ.

 

 

|| રામાનંદ સ્વામી સાથે મેળાપ ||

 

  સંવત 1856ના શ્રાવણ વદ છઠ્ઠના રોજ (તા. 21-8-1799) નીલકંઠ લોજ મુકામે આવ્યા. અહીં રામાનંદ સ્વામીના સાધુઓનું મથક હતું. રામાનંદ સ્વામી તે સમયે કચ્છમાં હતા. મુક્તાનંદ સ્વામીના વડપણ નીચે તેમના કેટલાક શિષ્યો અહીં સદાવ્રત ચલાવતા હતા. તેમાંના એક સુખાનંદ નામના સાધુ લોજ ગામની વાવની કાંઠે ધ્યાનમાં બેઠેલા કિશોર વયનાં નીલકંઠ વર્ણીને મળ્યા અને તેમને પોતાનાં સ્થાનમાં લઇ આવ્યા.
  નીલકંઠનાં શીલ, કાંતિ અને સૌમ્ય્ આકૃતિ જોઇને મુક્તાનંદ સ્વામી ઉપરાંત બધા સાધુઓ પ્રભાવિત થયા. તે જ રીતે સાધુઓનો સદાચાર અને વિનય જોઇને નીલકંઠને પણ ગોઠ્યું. અત્યાર સુધી તેઓ કોઇ શહેર કે ગામમાં જઇને રહ્યા ન હતા. અહીં મુક્તાનંદ સ્વામી સાથેની વાતચીતમાં રામાનંદ સ્વામી વિષે સાંભળીને તેમને યાદ આવ્યું કે તેમના માતાપિતાએ રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા હતા. આથી તેમને મળવાની ઉત્કટ ઇચ્છા થઇ આવતાં તેઓ અહીં રોકાયા
  રામાનંદ સ્વામીનો જન્મ વિ.સં. 1795 (ઇ.સ. 1735) માં અયોધ્યામાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું નામ રામ શર્મા હતું. ઉપનયન સંસ્કાર પછી વિદ્યાભ્યાસ માટેની તાલાવેલીને કારણે ઘર છોડ્યું. તીર્થયાત્રા કરી સૌરાષ્ટ્રમાં તળાજા ગામે કાશીરામ નામના શાસ્ત્રવેત્તા પાસે સંસ્ક્રુત ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી ગિરનારમાં રહેલાં આત્માનંદ મુનીને મળ્યા. તેમની પાસે દીક્ષા લઇ રામાનંદ નામ ધારણ કર્યું. આત્માનંદ મુનિ બ્રહ્મનિષ્ઠ યોગી હતા. તેમની પાસેથી રામાનંદ સ્વામી યોગકળા શીખ્યા અને સમાધિ પણ સાધી. પરંતુ તેમાં બ્રહ્મતેજ દેખાયું.. જ્યારે તેમને સાકાર શ્રીકૃષ્ણના દર્શનની તાલાવેલી હતી. આથી માત્ર તેજથી સંતોષ ન થયો.
  તેઓ શ્રીરંગમમા શ્રી રામાનુજાચાર્યની ગાદીએ ગયા અને ત્યાં તેમની ભક્તિ કરી ત્યારે સ્વપ્નમા શ્રી રામાનુજાચાર્યે તેમને વૈષ્ણવી દીક્ષા અને મંત્ર આપ્યાં. આ પછી રામાનંદ સ્વામીએ કૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરવા માંડ્યો. ત્યાં રહેલા રામાનુજ સંપ્રદાયના શિષ્યોથી આ નવો ઉપદેશક સહન થયો નહીં. વિખવાદ ટાળવા રામાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીક્ળ્યા અને વૃંદાવન આવ્યા. અહીં તેમને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો આ પછી પોતાને મળેલા જ્ઞાન-ભક્તિનાં પ્રચાર માટે તેઓ ફરવા લાગ્યા. જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણનાં માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા તેમના શિષ્ય બન્યા.
  રામાનંદ સ્વામી કૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરતાં કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવીને સ્થિર થયાં. તેમણે વૈષ્ણવ સંપ્રદાયની અશુદ્ધિઓને દૂર કરીને શુદ્ધ કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કર્યું. શ્રી રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હોવાથી તેમણે પ્રવર્તાવેલો આ નવો સંપ્રદાય “ઉદ્ધવ સંપ્રદાય” તરીકે ઓળખાયો.
  આત્માનંદ સ્વામીએ દેહત્યાગ કર્યો તે પહેલાં પોતાના શિષ્યોને રામાનંદ સ્વામીને ગુરુ માનવાનું કહ્યું હતું. તેમણે શુદ્ધ, સદાચારી સાધુઓ તથા શિષ્યોનો એક સારો એવો વર્ગ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉભો કર્યો હતો. તેમના પચાસેક સાધુઓ લોજ મુકામે રહેતા હતા. દેશભરમાં પગપાળા પ્રવાસ કરીને વિવિધ સંપ્રદાયો, પંથો વગેરેના સારાનરસાં પરિચયો મેળવનાર નીલકંઠને આ સાધુઓ પ્રત્યે ભાવ થયો તેમ જ તેમના ગુરુ રામાનંદ સ્વામીને મળવાની આતુરતા વધી પડી. મુક્તાનંદજીએ રામાનંદ સ્વામી આવે ત્યાં સુધી તેમને પોતાની સાથે રહેવા જણાવ્યું. તેથી નીલકંઠ લોજમાં રોકાયા.
  લોજમાં નીલકંઠ નિર્માનીપણે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા હતા. આશ્રમનાં નાનાં મોટા અનેક કામો જેવાંકે પતરાવળાં માટે ખાખરાનાં પાન લાવી આપવાં, રસોઇ માટે લાકડાં લાવવાં, છાણાં વીણવાં, પાણી ભરી લાવવું, અનાજ સાફ કરવું, વાસણ સાફ કરવાં, અન્નસત્રમાં આવનારને અન્ન આપવું અગેરે કામો નિર્માની બનીને કરતા હતા. વળી કોઇ સાધુ માંદા હોય તો તેને માફક આવે તેવી રસોઇ કરવી, ઔષધ આપવું, સેવા કરવી વગેરે કાર્યોમાં પણ તેમની અભિરૂચી જણાઇ આવતી. તેમનાં આ ગુણોએ મુક્તાનંદ આદિ સાધુઓનાં હ્રદયને જીતી લીધા હતાં.
  નીલકંઠ પાસેથી ત્યાં રહેલા સાધુઓ યોગ શીખવા લાગ્યા. નીલકંઠે અહી કેટલાક નોંધપાત્ર ફેરફાર કર્યા. તેમાં બે ઘણા પ્રસિદ્ધ છે :
  1. સાધુ આશ્રમમાં મુક્તાનંદ સ્વામી રોજ કથા કરતા. તેમાં સ્ત્રીઓ તથા પુરુષો સાથે બેસતાં. આ પ્રથામાં ધર્મમાં શિથિલતા પ્રવેશવાની શક્યતા હોઇ નીલકંઠે સ્ત્રી-પુરુષોની અલગ સભા યોજવાનો ચાલ શરુ કર્યો, જે મુક્તાનંદ સ્વામીએ પણ સ્વીકાર્યો. પાછળથી સ્વામિનારાયણ સંપ્રદાયની આ નોંધપાત્ર વિશેષતા બની ગઇ.
  2. આ જ વિચારને અનુસરીને એક બીજો ફેરફાર કરાવ્યો. સાધુઓના આશ્રમની બાજુમાં એક ગૃહસ્થીનું ઘર હતું. તે બે ઘરની દિવાલમાં એક ગોખલા જેવું રાખેલું. જેનાં દ્વારા પડોશની સ્ત્રીઓ સાધુઓને દેવતા આપતી. આ પ્રકારનો સ્ત્રી સંસર્ગ પણ ત્યાગીને શોભે નહી, તેમ તેમને લાગ્યું. તેમણે કહ્યું કે આ દિવાલમાં છિદ્ર નથી પરંતુ ધર્મની મર્યાદામાં છિદ્ર છે માટે એ ગોખલો તેમણે પૂરાવી દીધો.
  રામાનંદ સ્વામી બે કે ત્રણ માસમાં આવશે એવી ધારણા મુક્તાનંદ સ્વામીને હતી પરંતુ આઠેક માસ વીતવા છતાં તેઓ લોજમાં ન આવ્યા ત્યારે નીલકંઠની ઉત્કંઠા વધી પડી. તેઓ પોતે ભુજ જવા તૈયાર થયા. પરંતુ મુક્તાનંદ સ્વામીએ સૂચવ્યું કે આટલા કૃશ શરીરે એટલે દૂર સુધી જવા કરતાં એક પત્ર લખીને ભુજ મોકલીએ. તે મુજબ મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીનો પરિચય આપતો પત્ર લખ્યો. તેમાં તેમનાં ત્યાગ, સાધુતા, તપ અને રામાનંદ સ્વામીને મળવાની તેમની ઉત્કંઠા જણાવ્યાં. તે સાથે નીલકંઠે પણ “સરજુદાસ” નામે પત્ર લખ્યો. ( સરયુ નદીને કિનારેથી આવ્યા હોવાથી અહીં બધા તેમને સરજુદાસ કહેતા.)
  આ બંને પત્રો લઇને મયારામ ભટ્ટને મુક્તાનંદ સ્વામીએ કચ્છ મોકલ્યા. ભુજમાં ગંગારામ મલ્લને ઘેર રામાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. ત્યાં જઇને મયારામ ભટ્ટે બંને પત્રો આપ્યા. પત્ર વાંચી રામાનંદ સ્વામીએ ઉદગાર કાઢ્યા કે “જેમની હું રાહ જોતો હતો તે આવી પહોંચ્યા છે.” તે વખતે લાલજી સુથાર (પાછળથી નિષ્કુળાનંદ સ્વામી) ત્યાં બેઠા હતા. તેમણે રામાનંદ સ્વામીને પૂછ્યું કે “એ નવા આવનાર, સ્વામી રામદાસ (સંપ્રદાયના એક અગ્રણી સાધુ) જેવા છે?” રામાનંદ સ્વામી કહે, “રામદાસ તો શું? એથીય બહુ મોટા.” ત્યારે લાલજીએ પુછ્યું કે “ મુક્તાનંદ સ્વામી જેવા?” તો સ્વામી કહે, “એથીય બહુ મોટા.” ફરી લાલજીએ પુછ્યું કે “આપ જેવા?” ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે “ અમે પણ એમની આગળ શું? અમારાથી પણ બહુ મોટા.” પાછળથી દિક્ષા લઇને નિષ્કુળાનંદ બન્યા ત્યારે લાલજી સુથારને આ વાતની ખાતરી થઇ અને ત્યારે તેઓ બોલ્યા કે “એ વાત આજે સમજાઇ.”
  રામાનંદ સ્વામીએ બંને પત્રોના પ્રત્યુત્તર પાઠવ્યાં અને વૈશાખ મહીનામાં પોતે સોરઠ આવશે તેમ જણાવ્યું. નીલકંઠને જણાવ્યું કે શરીરનું જતન કરવું તથા મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું.
  નીલકંઠે સ્વામીની આજ્ઞા માથે ચડાવી. આખરે વિ.સં 1856 નાં જેઠ વદ બારસ (તા. 19-06-1800) ને દિવસે પીપલાણામાં રામાનંદ સ્વામી તથા નીલકંઠ વર્ણીનું મિલન થયું અને સંવત 1857 કાર્તિક સુદી એકાદશી(તા. 28-10-1800)ને દિવસે રામાનંદ સ્વામી પાસે મહાદીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ તેમને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો અને સહજાનંદ સ્વામી તથા નારાયણમુનિ એમ બે નામ પાડ્યાં.

 

આગળ જુઓ...

 

 

Copyright @ 2013, Swaminarayan Temple Khopala. All Reserved.
Design By Varniraj Developer